ફિક્સ પગાર અને કોંટ્રાક્ટ પધ્ધતિ શા માટે નાબુદ કરવી જોઇએ?

ગુજરાત સરકાર દ્વારા વિવિધ કચેરીઓમાં વર્ગ-૩ના કર્મચારીઓની પાંચ વર્ષ જેટલા ખૂબ જ લાંબા સમયગાળા માટે ફિક્સ-પેની નિતી અંતર્ગત વિવિધ કેડરમાં નિમણૂંક કરવામાં આવે છે. જ્યારે વર્ગ-૪ની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિમણૂંક કરવામાં આવે છે. જે હાલની મોંઘવારીમાં ગુજરાતના શિક્ષિત અને સ્કીલ્ડ કર્મચારીઓનું ગુજરાત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાનું ખૂબ નાલેશીભર્યું અને બેજવાબદારી પૂર્વકનું તેમજ ભારતના સંવિધાન અને કાયદાનું તથા હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું દેખિતું ઉદાહરણ છે.

સરકારને કેટલાક પ્રશ્નો

  • કેન્દ્રની સરકાર દ્વારા જ્યારે તમામ ભરતી પ્રક્રિયા ફુલ પગારમાં કરવામાં આવી રહી હોય ત્યારે તે જ સરકાર ગુજરાતમાં પણ હોય અને ત્યાં ભેદભાવભરી નીતિ કેમ?
  • સમગ્ર દેશમાં ગુજરાત મોડલને દર્શાવવામાં આવતું હોય ત્યારે ફીક્સ પગાર બાબતે સરકારશ્રીની ચુપકીદી શા માટે?
  • ગુજરાત રાજ્યના જ પડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં પણ રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા ફીક્સ પગાર નાબુદ કરવાના ચુકાદાને માન્ય રાખી ત્યાની સરકાર દ્વારા પણ ફીક્સ પગાર પ્રથા બંધ કરવામાં આવેલ છે. તો ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો શો અર્થ? શા માટે ગુજરાતની સરકાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી રહી છે?
  • ગુજરાતમાં હમણાં જ થયેલ અનામતના આંદોલનોમાં સરકાર દ્વારા બંધારણ અને સુપ્રીમ કોર્ટની દુહાઇ આપવામાં આવતી હોય અને તેનું ઉલ્લંઘન ના થઇ શકે તેમ જણાવવામાં આવતું હોય તો ફીક્સ પગાર બાબતે કર્મચારીને ભારોભાર
    અન્યાય કેમ?
  • સમાન કામ સામે સમાન વેતનના હકનું સરકારશ્રી દ્વારા ખુલ્લેઆમ દમન કેમ કરવામાં આવી રહ્યું છે?
  • શું હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટની પણ ઉપરવટ જઇને સમગ્ર વિશ્વના ઉદાહરણરૂપ મહાન ભારતના બંધારણનું ગુજરાત સરકાર ઉલ્લંઘન કરી રહી હોય તેમ લાગતું નથી?
  • ફુલ પગાર ભોગવતા દરેક કર્મચારીઓને દર છ મહિને મોંઘવારી વધારવામાં આવતી હોય છે. જેથી વધતી મોંઘવારીનો માર કર્મચારી સહન કરી શકે… તો એ બાબતમાં સળંગ પાંચ વર્ષ સુધી એજ કામ અને કાર્ય કરતો કર્મચારી ૭૮૦૦/-માં ક્યાં સુધી ઘર ચલાવી શકે?
  • શું ફિક્સ પગારના કર્મચારીઓને મોંઘવારી નડતી નથી? આજનો ફીક્સ પગારનો કર્મચારી જો અપરણિત હોય તો તે પાંચ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં તો લગ્ન અંગેનું વિચારી પણ શકતો નથી. અને પોતે આર્થિક સંકડામણ ભોગવતો હોવાથી આવનાર જીવનસાથીને સારી રીતે સાચવી શકશે નહીં તે વિચારીને પણ પોતે પાંચ વર્ષ બાદ સંસાર માંડી શકે છે. વધુમાં, ત્યાં સુધીમાં તેના યૌવનકાળના પાંચ વર્ષ પણ વીતી ગયા હોય છે.
  • આજની આ કારમી મોંઘવારીમાં પોતાના વતનથી બહાર સરકારશ્રીમાં ફીક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીને ૧૦,૦૦૦/- રૂપિયા તો ફક્ત એક જ વ્યક્તિ પાછળ ખર્ચ થાય છે. જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા ફિક્સ પગારના ૭૮૦૦/- સામે શું ગણી શકાય?
  • આમ, રૂ.૧૦,૦૦૦/-ના માસિક ખર્ચ સામે સરકારના રૂ.૭૮૦૦/- હોવાથી વધારાના રૂ.૨,૨૦૦/- ક્યાંથી લાવવા એ વિચારથી જ દરેક કર્મચારી માનસિક તાણ અનુભવી પોતાની ફરજ નિભાવતા હોય છે.
  • વધુમાં, શું ગુજરાત સરકારમાં ફકત નિભાવતા ફિક્સ પગારના કોઇ પણ કર્મચારી ક્યારેય બિમાર નહીં પડતો હોય? પોતાના વતન બહાર ફરજ નિભાવતા કર્મચારીને ક્યારેય વતનની યાદ નહીં આવતી હોય? અને જો વતન જવું હોય તો ત્યાં જવા માટે અત્યારની મોંઘવારીનું અસહ્ય ભાડું કઇ રીતે પોસાતું હશે? દરેક કર્મચારી પોતાના સમાજના અન્ય રીતરિવાજો, પ્રસંગો વગેરેમાં કઇ રીતે આર્થિક, શારીરિક કે માનસિક સહયોગઆપી શકતો હશે? પાંચ વર્ષ સુધી આવતા કોઇપણ તહેવારો કે ધાર્મિક પ્રસંગોમાં સહેજ પણ ખર્ચ કર્યા વગર કઇ રીતે પોતે ખુશ રહી શકતો હશે?
  • આવી તમામ કલ્પનામાત્રથી જ દરેક વ્યક્તિનું હૈયું પીગળી જાય તેમ હોય, તો ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ઉપરી અધિકારીઓ અને નેતાઓ-મંત્રીઓનું હૈયું કેમ પીગળતું નથી? શા માટે તેઓ પોતાની મનમાની કરી નિર્દોષ કર્મચારીનું શોષણ કરી રહ્યા છે?
  • સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા ગરીબી નિવારણ કરવા માટે વિવિધ માસ્ટર પ્લાન ઘડવામાં આવતા હોય ત્યારે પોતાના જ કર્મચારીઓને ગરીબ બનાવવાના આ ફીક્સ પગારની નીતિના માસ્ટર પ્લાન વિશે શું કહી શકાય?
  • જે પણ અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા આ ફીક્સ પગારની નીતિનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હોય તેવા તમામને અમારી નમ્ર વિનંતી છે કે, ફક્ત એક જ મહિનો પોતાના વતનથી દૂર અને આ જ ફિક્સ પગારની નીતિમાં પોતે રહીને બતાવે તો જ અમો તમામની મુશ્કેલીઓ વિશે અંદાજ આવી શકે તેમ છે.
  • ફિકસ પગારથી નોકરી કરતા યુવાનોમાં ભાગ્યે જ કોઇ કર્મચારી બાકી હશે કે જેને ઉપરી અધિકારીદ્વારાધમકી ના મળી હેાય કે…

તમે તો ફિકસ પગારમાં છો તમને તો વગર નોટીસે છુટા કરી દઇશ

શું સરકારી કર્મચારીને આવી ધમકી મળે તો એ પોતાની ફરજ નિર્ભયતાથી બજાવી શકશે ?

  • ભારતના સંવિધાને સરકારી કર્મચારી પોતાની ફરજ કોઇ પણ પ્રકારના ભય કે ડર વગર કે કોઇ પણ દાબ-દબાણને તાબે થયા વગર કાયદેસર રીતે નિર્ભયતાથી બજાવી શકે એ માટે કેટલાક હક્કો આપેલા છે.પરંતુ અહી તો ફિક્સપગારની નીતિઅંર્તગત સરકારી કર્મચારીના નિમણૂંક હુકમમાં જ ગમે ત્યારે વગર નોટીસે તમોને છુટા કરી દેવામાં આવશેતેવી જોગવાઇ ઉમેરવામા આવી છે. શું આવી નીતિ જ્યારે પ્રવર્તતી હોય ત્યારે કલ્પના પણ કરી શકાય કે ફિક્સ પગારનો પોલીસ સબ ઇન્પેકટર, નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી, નશાબંધી અધીકારી, જેલર, સિપાહી,તલાટી, કારકુન પોતાની ફરજો નિર્ભયતાથી નિભાવી શકશે???
  • બીજી એક જોગવાઇ એવી કરી છે કે ફિકસપગારમાં કરેલી નોકરીને અનુભવ તરીકે નહીં ગણવામાં આવે… આ તે કેવી જોગવાઇ??? યુવાન કર્મચારીએ કામ કરવાનું પણ એને અનુભવ તરીકે ગણવાનો નહીં….આતો વેઠીયા મજુરોને પણ શરમાવે તેવી જોગવાઇ છે….!!…આવી તો કેટકેટલી અન્યાયી, ગેરબંધારણીયઅને અંગ્રેજ શાસનની યાદ અપાવતી જોગવાઇઓ કરી દીધી છે..!!
  • શુ ફિકસ પે પોલીસીનો હેતુ સરકારી કર્મચારીની આખી પેઢીને નમાલી બનાવવાનો છુપો એજન્ડા છે….??? સરકારી કર્મચારીને દબાણમાં રાખી, નોકરી છીનવાઇ જવાના ભયના ઓથાર નીચે રાખી અને પોતાના કામ કઢાવી લેવાનુ આ ષડયંત્ર હોય તેવી ગંધ આવે છે!
  • શું ગુજરાત રાજયની આ સરકાર ભારતના બંધારણથી પણ ઉપર છે??? સરકાર દ્વારા આ સરકારી નોકરી ભીખમાંઅપાઇ હોય તેવું વર્તન કેમ રખાય છે?? ખરેખર તો આ નોકરી ગુજરાતના લાખો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને મેળવી છે, જે અમારો બંધારણીય હકક છે. સરકારશ્રીએફિક્સ પગારની નીતિ લાવીને બંધારણને કોરાણે મુકી દીધુ છે.
  • સરકારી કર્મચારીની સેવા, વતુર્ણુક તથા કામગીરી માટે અસંખ્ય નિયમો બનાવેલા છે. ઠરાવ/પરીપત્રના સંગ્રહો બનાવવામા આવ્યા છે ત્યારે તો સરકાર પારદર્શક વહીવટ ચલાવી શકે છે અને અહીંતો બે પાનામાં સમાઇ જતીફિકસપગારની પોલીસીએ આખી યુવા પેઢીને બાનમાં લીધી છે.